Friday, 10 March 2017

વાદળછાયું વાતાવરણ



કાલે બપોર પછી થોડી વાર માટે સૂર્ય જાણે વાદળોની વચ્ચે ક્યાંક સંતાઈ ગયેલો, સાંજે ફરી પાછા કાળા ઘનઘોર વાદળો છવાયેલાં. સવારે ખ્યાલ આવ્યો કે અમુક જગ્યાએ માવઠું પણ થયું. ગૂગલ પર ફક્ત સર્ચ કર્યુ તો ખ્યાલ આવ્યો કે વાદળોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે અને એ વિશે એક વિકિપીડિયા પેજ પણ છે! આ વાદળોની વચ્ચે લપાતો છૂપાતો સૂરજ ઘડીકમાં બહાર નીકળે છે અને ચોતરફ તડકો પથરાઈ જાય છે અને ઘડીક પછી ફરી વાદળોમાં ભરાઈ જાય છે. મને આવી મૌસમ ખૂબ ગમે છે. હા, આ પ્રકારની ઋતુ ઘણી રીતે નુકશાનકારક છે, એમાં પણ ખેડૂતો માટે તો ખૂબ જ. પણ, આવી મૌસમ મારી અંદર ખુશીઓ ભરી દે છે અને સાથે જ હું ખૂબ ઉદાસ પણ થઈ જાઉં છું. મને આજ સુધી ક્યારેય નથી સમજાયું કે એ વાદળો શું કરી દે છે મને, એ લાગણી જેમાં હું થોડીવાર પહેલાં રાજી અને થોડી વાર પછી ચહેરા પર ફરીથી નારાજી. કાલે સાંજે એક બાંકડા પર બેઠેલો. વૃક્ષો એમની મસ્તીમાં પવનને લીધે ઝૂમતાં હતાં, ધીમે ધીમે વાતો મંદ પવન કંઈક ઠંડક પ્રસરાવી જતો હતો, એ વૃક્ષોની વચ્ચેથી પાણીની થોડી બુંદો પડી. મને લાગ્યું કે રાત્રે વરસાદ મન મૂકીને વરસશે, પણ ફક્ત એ પળમાં જ એક-બે મિનિટ સહેજ છંટકાવ થયો. નવાઈ નથી કે મહાકવિ કાલિદાસ દ્વારા 'મેઘદૂત' કેમ લખાયું હશે! આજે ફરી એ જ પ્રકારનું વાતાવરણ છે. ઓફિસની બારી પાસેથી એક કબૂતર વારંવાર આવ-જા કરીને એની પાંખો ફફડાવી રહ્યું છે. મને વાદળોનાં શબ્દો હોય એ પ્રકારનાં ગીતો અને અમુક ફિલ્મોની અંદર વાદળો હોય એ દ્રશ્યો યાદ આવી રહ્યા છે. મને ઓફિસમાંથી ક્યાંક બહાર જવાનું મન થઈ આવે છે, તસવીરો ખેંચવાનું મન થઈ આવે છે, ઘાસમાં આરામથી સૂઈ જઈને કોઈ પુસ્તક વાંચવાનું મન થાય છે, કાવ્યો લખવાનું મન થાય છે, આજે સાંજે ડૂબતો સૂર્ય જોવો છે મારે. પણ, આટલું લખીને હું  સંતોષ માની લઉં છું! 

ગઈકાલે મેં લીધેલી થોડીક તસવીરો ... 





Wednesday, 8 March 2017

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ૨૦૧૭




સ્ત્રીઓ વિશે હું ક્યારેક લખું છું, પરંતુ મોટેભાગે આ રીતે કોઈ ખાસ દિવસે શું લખવું અને શું ન લખવું એની સૂઝ મને નથી પડતી. પણ, તેમ છતાં મારે કંઈક લખવું છે. આજના દિવસે સ્ત્રી વિશે વાતો થશે, એની સિધ્ધિઓ, સપનાઓ, સમાનતા વિશે. સમાજનાં બંધિયાર નિયમો અને સ્ત્રી વિશેની દુનિયાની વિચારસરણી વિશે મેં પહેલા લખ્યું જ છે. (જેની લીંક આ પોસ્ટની અંતે ફરીથી મૂકી છે.) પણ, આજે મારે સ્ત્રીની ખુદ વિશેની માન્યતા અને બીજી સ્ત્રી તરફનાં વલણ અંગે વાત કરવી છે. જે દિવસે એક સ્ત્રી પોતાની જાતને સન્માન આપશે, પોતે સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવશે, એ દિવસ પણ ઉજવણીનો ભાગ બનશે. સ્ત્રીએ કોઈથી ચડિયાતાં કે સમાન થવાની જરૂર છે જ નહીં, કારણ કે પૃથ્વી પર અવતરવા માટે સ્ત્રીની કૂખે જ જન્મ થાય છે અને બીજી એવી ઘણી વાતોથી સ્ત્રી ચડિયાતી છે જ. રહી વાત સમાનતાની તો જે દિવસે સ્ત્રી પોતાની અંદર આત્મવિશ્વાસ ભરશે, એ દિવસે સમાન નહીં પણ ક્યાંય ચડિયાતી આપોઆપ બની જ જશે. જે દિવસે એક સ્ત્રી બીજી સ્ત્રીને માન આપશે, તે દિવસ પણ તહેવાર બની રહેશે. જે પુત્રવધૂ પોતાના ભાઇ-ભાભીને માતા-પિતાની સંભાળ રાખવાનું કહે છે, એણે પોતાનાં પતિનાં માતા-પિતાની પણ કાળજી કોઈ જ ફરિયાદ વિના રાખવી પડશે, તો જ સમાનતા કહેવાશે...

મારી બીજી પોસ્ટસ - 







શશિ, ચંદા અને રાની - જિંદગીને વધારે સારી બનાવવા માટે પ્રેરણાસ્ત્રોત

શશિ - શ્રીદેવી - ઈંગ્લિશ વિંગ્લિશ
ચંદા - સ્વરા ભાસ્કર - નીલ બટ્ટે સન્નાટા
રાની - કંગના રણૌત - ક્વીન


આ પોસ્ટ એ બધા લોકો માટે જેમને લાગે છે કે એમની જિંદગીમાં કોઈ સારી વાત નથી થઈ રહી, કોઈ ફેરફાર નથી આવી રહ્યો, તો જરૂરથી આ વાંચો, તમે દરેક ખાસ છો ...

************************************

આશરે બે મહિના પહેલા કોલેજનાં દોસ્ત ઋતુરાજને મળેલો. અમારી સિનેમા, સંગીત અને બીજા વિષયો પરની વાતો ચાલુ હતી અને અચાનક એણે મને કહ્યુ કે હું આ ત્રણ પાત્રો વિશે લખું. એ મારી બધી બ્લોગ પોસ્ટ નિયમિત વાંચે. મેં એની વાત પર ઘણો વિચાર કર્યો. અમુક વસ્તુઓ ત્રણ પાત્રોની અંદર સામાન્ય હતી. પણ, ઓફિસ અને બીજી વસ્તુઓની વચ્ચે આ પોસ્ટ લખવાની રહી જ જતી હતી.

ઋતુરાજનાં શબ્દોમાં ચોક્કસ રીતે કહુ તો એણે કંઈક આમ કહેલ એ દિવસે, "દેશ માટે કંઈક મોટુ કામ કરવું એ સારી બાબત છે, જેમ કે નીરજા ભનોટ અથવા ગીતા અને બબિતા ફોગટ. એ ખૂબ જ ગૌરવની બાબત છે. એ ખૂબ જ ખાસ છે, પણ જવલ્લે છે, ખૂબ ઓછા અંશે છે. પણ, આ ત્રણ પાત્રો આપણી આસપાસ છે. એમણે કંઈક ખૂબ મોટુ નથી કર્યુ, પણ કંઈક એ કર્યુ છે જેનાથી એમની જિંદગી થોડી વધારે સારી થઈ, એમની પોતાની ઓળખ વધારે મજબૂત થઈ. જિંદગીમાં ખૂબ મોટુ કરવાની જરૂર નથી, પોતાને માટે કંઈક સારુ કરવું એ પણ ખૂબ મોટી વસ્તુ છે. તુ આ ત્રણ વિશે કંઈક જરૂર લખજે." તો, ઋતુરાજ અહીં હું લખી રહ્યો છું. 

ગૌરી શિંદેની 'ઈંગ્લિશ વિંગ્લિશ' ; અશ્વિની ઐયર તિવારીની 'નીલ બટ્ટે સન્નાટા' અને વિકાસ બહલની 'કવીન' આ ત્રણેય ફિલ્મોનાં પાત્રો અનુક્રમે શશિ (શ્રીદેવી) ; ચંદા (સ્વરા ભાસ્કર) અને રાની (કંગના રણૌત) આપણને જીવન વધારે સારુ બનાવવા માટે પ્રેરણા આપે છે. ત્રણેય પાત્રો માટે ત્રણેય અભિનેત્રીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ નામના મળી, કારણ કે એમનો અભિનય જાનદાર છે. 

આ ફિલ્મોની અંદર અમુક વસ્તુઓ સમાન છે. અમુક વસ્તુઓ આ ત્રણમાંથી કોઈ બે ફિલ્મોની અંદર સમાન છે, તો ત્રીજી ફિલ્મમાં નથી. ત્રણેય પાત્રોની મનની અંદરની અમુક સ્થિતિ, ફિલ્મોની અંદર અમુક સમાનતા અને જિંદગીને વધારે સારી બનાવવા વિશેની પ્રેરણા વિશે આ પોસ્ટ ...

************************************


ફિલ્મ સ્પોઈલર્સ - 
ઈંગ્લિશ વિંગ્લિશ
નીલ બટ્ટે સન્નાટા
ક્વીન

શશિ અંગ્રેજી સરખું ન આવડવાને કારણે રોજબરોજની જિંદગીમાં તકલીફ અને અપમાન સહન કરે છે. ચંદા એની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે રોજબરોજ વિવિધ કામ કરી ગુજરાન ચલાવે છે. રાની લગ્નનાં એક દિવસ પહેલાં તરછોડાય છે. આ ત્રણ પાત્રો રડે છે, દુ:ખ અનુભવે છે, અપમાન, અસ્વીકાર સહન કરે છે, પણ થાકી હારીને રડીને બેસી જતાં નથી. એ લોકો પરિસ્થિતિનો સામનો કરે છે અને જીત મેળવે છે. શશિ અંગ્રેજી શીખે છે, દરેક પળે કંઈક ને કંઈક વધારે સારુ, અને અંતે પોતાની ભાણી મીરાનાં લગ્નમાં બધા મહેમાનોની વચ્ચે લગ્નમાં એકબીજાનો સાથ નિભાવવા વિશે ખૂબ સુંદર વાતો અંગ્રેજીમાં કહે છે. ચંદા ગમે તેટલી મુશ્કેલીઓ વેઠીને એની દીકરી અપેક્ષાને આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરાવે છે. રાની પોતાની રીતે એકલા હનીમૂન પર જઈ જિંદગી જીવવાનો બોધપાઠ શીખે છે. 

ત્રણેય ફિલ્મોની અંદર એક સમયે ત્રણ પાત્રો રસ્તા પર ચાલતી વખતે રસ્તા પર ચાલતી ગાડીથી ભય પામે છે. રાની પેરિસમાં એકલા રસ્તો પાર કરતાં ડરે છે, શશિ એક સમયે રસ્તા પરની ગાડીથી ડરે છે. ચંદા લગભગ ગાડીની સામે આવી જાય છે પરંતુ અકસ્માતથી બચે છે. આ ત્રણ વસ્તુ એમને જે મેળવવું છે એની અંદર આવતી મુશ્કેલીઓ દર્શાવે છે, રસ્તામાં આવતી અડચણો. રાની અને ચંદા પહેલી વખત એકલા મુસાફરી કરે છે અને એ પણ બીજા દેશ સુધી. રાની જ્યારે વિમાન ધરતી પરથી ઊંચે ઉડે છે ત્યારે ગભરાય છે અને સીટ પરથી ઊભી થઈ જાય છે. એ વિમાનની અંદર ઊંઘમાં પણ ઝબકીને જાગી જાય છે. શશિને પણ ડર છે કે એ કેવી રીતે એકલા મુસાફરી કરી શકશે. વિમાનની અંદર તરસ લાગે છે ત્યારે એર હોસ્ટેસ પાસે પાણી માગતી વખતે પણ શશિને સંકોચ થાય છે. 


રસ્તામાં આવતી અડચણો
અને
દિલની અંદરનો ખચકાટ


ત્રણેય પાત્રો કંઈક શીખે છે. શશિ અંગ્રેજી શીખે છે, દરેક પળમાં શશિ વધારે સારુ અંગ્રેજી શીખવા પ્રયત્નો કરે છે, ક્લાસની અંદર શીખવાડવામાં આવતી દરેક વસ્તુ ધ્યાનથી શીખે છે, શશિ પોતાની ભાણી રાધા પાસેથી વિવિધ અંગ્રેજી ફિલ્મોની ડીવીડી મેળવે છે અને સબટાઇટલ્સ સાથે જુએ છે અને શીખે છે, એટલે સુધી કે ક્લાસનાં લોકો સાથે એ ફિલ્મ જોવા જાય છે 'ધ લાસ્ટ ટાઇમ આઇ સો પેરિસ'; અને ફિલ્મ પૂરી થયાં પછી જ્યારે પૂછાય છે કે ફિલ્મ કેવી હતી તો પણ એ જવાબ આપે છે કે અંગ્રેજીની સારી પ્રેક્ટિસ થઇ શકી! શશિ શરૂઆતમાં અંગ્રેજી ક્લાસ માટે જતી વખતે ન્યૂ યોર્કની વિવિધ શેરીઓ અને ઇમારતો વચ્ચે ગૂંચવાય છે, સ્ટેશન પર વેન્ડિંગ મશીનમાં ટિકિટ નાખતી વખતે ભૂલ કરે છે. પહેલી વખત કેફેમાં ઓર્ડર આપતી વખતે અપમાનિત થાય છે. પરંતુ થોડા સમય પછી ન્યૂ યોર્કનાં વિવિધ રસ્તાઓ પર શશિ એકલી ફરે છે, ટિકિટ વેન્ડિંગ મશીન ઓપરેટ કરતાં એને ફાવી જાય છે, અને અજાણતાં જ જ્યારે એનો મૂડ સારો નથી એ વખતે કેફેમાં અંગ્રેજી ભાષામાં સાચો ઓર્ડર આપે છે. ચંદા પોતાની દીકરીને ગણિત શીખવાડવા માટે પોતે ફરીથી શાળામાં જઈને ગણિત શીખવાનું નક્કી કરે છે. શાળામાં અમરની મદદથી ગણિતને રોજબરોજની જિંદગી સાથે જોડીને ચંદા ગણિતનાં સૂત્રો યાદ રાખતાં શીખે છે. કલેક્ટરની ગાડી સામે ભૂલથી આવી જાય છે એ વખતે એને ખ્યાલ આવે છે કે કલેક્ટરને કેટલું માન મળતું હોય છે, એ વાત ચંદા એ વખતે સમજે છે. રાની પણ એકલાં ફરતા શીખે છે, જિંદગીમાં એની સાથે થયેલી ઘટનાને ભૂલવા પ્રયત્નો કરી ખુશી શોધે છે. પેરિસની હોટેલમાં રોકાય છે ત્યારે રૂમમાં એની સ્યૂટકેસ લઈ જતી વખતે રાનીને તકલીફ પડે છે, પરંતુ એમ્સ્ટરડમ જતી વખતે એ વિજયાલક્ષ્મીએ આપેલ 'બેકપેક' ભરાવતાં શીખી જાય છે, વધારે આરામદાયક રીતે. રાની પોતાની સાથે થયેલ ખરાબ ઘટનાને 'લેટ ગો' કરે છે. છેલ્લે વિજયને એમની સગાઇની વીંટી પાછી આપતી વખતે એ વિજયને કોઈ ખરાબ વાત નથી કહેતી, પરંતુ એ વિજયનો આભાર માને છે. રાની શીખે છે કે જે થવાનું હતું એ જ થયું છે અને પોતાની જિંદગી સાથે સેટ થતાં શીખી જાય છે.  


શશિની અંગ્રેજી શીખવાની પ્રક્રિયા અને ન્યૂ યોર્કમાં એડજસ્ટમેન્ટ


ચંદાની ગણિત શીખવાની પ્રક્રિયા
રાનીની સ્યૂટકેસ પેરિસ અને એમ્સ્ટરડમ જતી વખતે


શશિ મોટાભાગનાં બીજા લોકોની જેમ એમ નથી વિચારતી કે હવે એ ઉંમરે અંગ્રેજી શીખીને એ શું કરશે, ચંદા એટલી ઉંમરે શાળામાં પોતાનું નામ નોંધાવતી વખતે પહેલાં થોડી ખચકાય છે, કારણ કે શશિની સરખામણીમાં ચંદા નવી ઢબ સાથે ટેવાઇ નથી, પણ ચંદા એની દીકરીનાં આચાર્યને કહે છે કે એ શીખશે તો એ પોતે એની દીકરીને પણ ગણિત શીખવાડી શકશે. શાળામાં શરૂઆતમાં વિદ્યાર્થીઓ ચંદાની મજાક કરે છે પણ એ હિંમત હારતી નથી. રાની પણ એમ નથી વિચારતી કે એકલાં હનીમૂન પર જઈને એ શું કરશે, એને ફરવું છે, પોતાની સાથે થયેલ ઘટનાને ભૂલવી છે. 


નવી ઢબ સાથે ટેવ પાડવી




શશિની દીકરીનું નામ સપના છે, ચંદાની દીકરીનું નામ છે અપેક્ષા. સપના અને અપેક્ષા બંને શરૂઆતમાં એમની મા સામે ગમે તે રીતે વાત કરે છે, એમનું માન નથી જાળવતી. સપના શશિનાં અંગ્રેજી ન આવડવા બાબતે અને એના ઉચ્ચાઓની મજાક કરે છે. અપેક્ષા હમેંશા ચંદાને એમની ગરીબાઇ પર કોસે છે, અને એની માને કહે છે કે જો એ પાસ થશે તો પણ આગળ ભણાવવાની એની લાયકાત નથી. અપેક્ષા અને સપના બંને પોતાની મા પર શરમ અનુભવે છે. ચંદા એની દીકરીનાં નામ પ્રમાણે એની પાસે આશા રાખે છે કે એ જીવનમાં કંઈક કરે. શશિ જ્યારે લગ્નમાં બધા મહેમાનોની વચ્ચે અંગ્રેજીમાં બોલે છે ત્યારે સપના પોતાની માતા સાથે ખરાબ વર્તન બદલ પસ્તાય છે અને પોતાની મા પર ગૌરવ અનુભવે છે. અપેક્ષા ચંદાની મહેનત જોઈ પૂરા ક્લાસની વચ્ચે એની મહેનત વિશે કહે છે અને એ ક્લાસની વચ્ચે સ્વીકારે છે કે ચંદા એટલા માટે આટલું કરે છે કારણ કે એ પોતાની દીકરીને આગળ વધતી જોવા ઇચ્છે છે, આડકતરી રીતે એ ક્લાસની સામે અપેક્ષા ચંદા પોતાની મા છે એમ સ્વીકારે છે. ચંદા ફિલ્મને અંતે પોતાની દીકરી અપેક્ષાને પોતાનાં સપનાઓ વિશે સુંદર વાત કરે છે. રસપ્રદ વાત એ છે કે ચંદા અને શશિ બંને નામનો અર્થ પણ ચંદ્ર થાય છે. રાત્રિનાં અંધકારમાં ચંદ્ર રોશની આપે છે, શશિ અને ચંદા બીજા લોકો માટે પ્રેરણા બને છે, એટલે સુધી કે ચંદા ફિલ્મનાં અંતે ધોરણ ૧૦માં ભણતાં ગરીબ બાળકોને મફતમાં ગણિતનું ટ્યુશન આપે છે.  


દીકરીઓ અપેક્ષા અને સપનાનું પોતાની માતાનું કરાતું અપમાન
છેલ્લે માની પ્રશંસા કરી પોતાની મા ઉપર ગૌરવ અનુભવવો
માતાને ગળે લગાડવી



ત્રણેય પાત્રો એક સમયે અરીસાની સામે હોય છે, જાણે અરીસામાં જોઈને પોતાની અંદર ઝાંખી પોતાની જાતને ઓળખવાની પ્રક્રિયા કરતાં હોય! 'ધાક ધુક' ગીતની અંદર શશિનો પતિ સતીષ સાથે ઓફિસમાં કામ કરતી સ્ત્રી સહકર્મચારીને ગળે મળે છે, ત્યારે ઘેર જઈને શશિ પણ અરીસામાં પોતાનાં વાળ ખુલ્લા મૂકીને પોતાની જાતને જુએ છે. 'ગુસ્તાખ દિલ' ગીતની અંદર ફરી શશિ અરીસાની સામે હોય છે. ચંદા પોતાની દીકરી અપેક્ષાનાં વ્યવહારને લીધે શાળાએ જવાનું બંધ કરે છે એ વખતે અરીસાની સામે જુએ છે. રાની પોતાનાં લગ્નનું પાનેતર ખભે રાખીને અરીસામાં જુએ છે, રાનીનાં એક હાથમાં પાસપોર્ટ છે અને એને અહેસાસ થાય છે કે પેરિસ અને એમ્સ્ટરડમ જવું એનું સપનું છે, એ પછી એ પિતાને વાત કરે છે એકલા હનીમૂન પર જવા માટે. રસપ્રદ વાત એ છે કે ત્રણેય પાત્રો પ્રેમ નથી શોધતાં, શશિ તો એ કહે પણ છે કે એને પ્રેમની નહીં પણ સન્માનની જરૂર છે. ચંદા સિંગલ મધર છે, એ પોતાના પતિનો ઉલ્લેખ બે-ત્રણ વખત કરે છે. પણ, ફિલ્મની અંદર એના પતિ વિશે કોઈ જ ઉલ્લેખ નથી. રાની શરૂઆતમાં વિજયનો પ્રેમ છિનવાઈ ગયાનું મહેસૂસ કરે છે, પણ એ એમ્સ્ટરડમમાં પ્રેમ નથી શોધતી. બીજી એક સમાનતા મને મળેલી કે જ્યારે ચંદા સરકારી ગાડીમાં અને રાની પેરિસમાં ટેક્સીમાં સુકૂન મહેસૂસ કરે છે. ચંદા પોતે સરકારી ગાડીમાં બેસી પોતાની જાત વિશે સારુ મહેસૂસ કરી ખૂબ ખુશ થાય છે. રાની ખુલ્લા હાથ કરી ટેક્સીની અંદર પોતાની આઝાદી મેળવે છે. શશિ પોતાના પતિ સતીષને પોતાના અંગ્રેજી ટ્યુશનનાં મિત્રોની ઓળખાણ ગર્વભેર કરાવે છે, એ જ રીતે એમ્સ્ટરડમમાં રાની વિજયની સામે હિંમતભેર તાકા, ઓલેકઝાન્ડર અને ટિમને પોતાના મિત્રો કહે છે. જેમ જેમ લખું છું તેમ તેમ ઘણી બધી સરખામણીઓ મળે છે, પણ અમુક વસ્તુઓ હાલ નથી લખતો, એ ફરી ક્યારેક લખીશ. પણ, મુખ્ય ધ્યેય ફક્ત એક જ છે પોતે જે સ્થિતિમાં છીએ, એમાંથી થોડી વધારે સારી સ્થિતિ તરફ જઈ જિંદગીને વધારે સારી બનાવી હિંમતભેર, ગૌરવથી પોતાની જિંદગીની દરેક પળનો આનંદ માણવો... આ બધી વાતો શીખવાડવા માટે ત્રણ ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભાર. ગૌરી શિંદે અને અશ્વિની ઐયર તિવારી બંનેએ પોતાની ફિલ્મો 'ઈંગ્લિશ વિંગ્લિશ' અને 'નીલ બટ્ટે સન્નાટા' માતાને સમર્પિત કરી છે, અને વિકાસ બહલ દ્વારા ફિલ્મ 'ક્વીન' સમર્પિત કરવામાં આવી છે એમનાં સ્વર્ગસ્થ સિનેમટોગ્રાફર બોબી સિંઘને, જેઓ 'ક્વીન' ફિલ્મનું થોડું જ શૂટિંગ બાકી હતું ત્યારે મૃત્યુ પામેલ... 


અરીસામાં પોતાની અંદર ઝાંખવાની પ્રક્રિયા



પ્રેમ ન શોધવો
ટેક્સીમાં સુકૂન શોધવું
પોતાના મિત્રોની ગર્વભેર ઓળખાણ કરાવવી

ત્રણેય ફિલ્મોનાં નામની ક્રેડિટ્સની સાથે જેમને સમર્પિત છે તે


અને છેલ્લે ... 
ખૂબ ખૂબ આભાર
ઋતુરાજ

Tuesday, 7 March 2017

ક્વીન - ફિલ્મનાં ગીતો સાથે જિંદગી



વિકાસ બહલની 'ક્વીન' ઘણી બધી રીતે રૂપકોથી ભરપૂર ખૂબ સુંદર અને અર્થપૂર્ણ ફિલ્મ છે. ફિલ્મનાં ગીતો પણ મહત્વપૂર્ણ રીતે એમાં ભાગ ભજવે છે... અન્વિતા દત્ત દ્વારા લખાયેલાં ખૂબ જ અર્થપૂર્ણ શબ્દોની સાથે સાથે બધા ગીતોની સિનેમટોગ્રાફી અને સંગીત એકદમ મજેદાર છે... 


રાનીનાં લગ્નની સંગીત વિધિમાં ફિલ્મનું સૌથી પહેલું ગીત આવે છે - લંડન ઠુમકદા. આ એક એવું ગીત છે જેની પર ફક્ત ઝૂમવાનું મન થાય છે, એટલે મારુ ધ્યાન ક્યારેય આ ગીતનાં શબ્દો પર ના પડ્યું. હમણાં સબટાઈટલ્સ સાથે ફિલ્મ જોઈ ત્યારે અમુક વસ્તુઓ ખ્યાલ આવી. ફિલ્મનાં અમુક શબ્દો સાથે લંડન ઠુમકદા એટલા માટે છે કારણ કે રાનીનાં લગ્ન વિજય સાથે થઈ રહ્યા છે અને વિજય થોડા સમયથી લંડનમાં રહે છે. લંડનનાં ટ્રાફાલ્ગર સ્ક્વેરથી માંડીને વિદેશી મેમ અને પંજાબીઓની લસ્સીથી માંડી પંજાબી સ્ટાઈલમાં લંડન ઠુમકાનું કેટલું સરસ જોડાણ અને ગોઠવણી! આ ગીતની અંદર લોકોનાં ચહેરા પરનો મલકાટ જોઈને મને થાય છે એ મલકાટ એમના ચહેરા પર હમેંશા રહે. 


પરંતુ ચહેરા પરનો મલકાટ થોડા સમય પછી જતો રહે છે જ્યારે રાનીનાં લગ્ન રદ જાહેર થાય છે. દાદી અને માતા-પિતા જેમનાં ચહેરા પર ખુશી સમાતી નહોતી, એ ક્યાંક ખોવાઈ જાય છે. જાણે એ પળ આપણને જિંદગી વિશે કહેતી હોય કે ક્યારે શું થશે એ નક્કી નથી! 'રાંઝા' ગીત રાનીનો પ્રેમ છિનવાઈ જવાનાં રૂપક તરીકે છે, આ ગીતનાં પંજાબી શબ્દોનો મેં ઝાઝો અર્થ શોધવાનો પ્રયત્ન નથી કર્યો, પણ, એટલી જાણ છે કે એ પળની અંદર બધા પોતાની રીતે સુકૂન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે સુકૂન એ પળની અંદર દૂર દૂર સુધી એમની માટે ક્યાંય નથી. એ એક પળમાં રાનીની જિંદગી બદલાઈ ગઈ.  



'હરજાઇયાં' ગીત રાનીની વિજય માટેની યાદો અને પોતાનો પ્રેમ ખોવાયાનાં અફસોસ માટે છે. રાની પોતાના હનીમૂન પર એકલી જવા તૈયાર થઈ છે, પણ પ્લેન ટેક ઓફ કરે છે ત્યારે પણ વિજયની સાથેની પળો એનો પીછો નથી છોડતી, અને એ અફસોસ કરે છે કે જો એનો પ્રેમ ખોવાઈ જવાનો હતો તો એને મળ્યો જ શું કામ? રાની પોતાની જાતને ફોસલાવીને સમજાવાનો પ્રયત્ન કરી રહી છે. ગીતનાં શબ્દો આ બધા અર્થ સૂચવે છે. પેરિસની હોટેલમાં જ્યારે એ સ્યૂટકેસ ચડાવી શકતી નથી ત્યારે પણ આ ગીતની અંદર શબ્દો છે કે એનો ખભો એ ભારે બોજને ઉઠાવી નથી શકતો, એ સ્યૂટકેસ અને વિજયની યાદો પણ!



'બદરા બહાર' ગીત રાનીનાં બચપણની યાદો માટે છે. રાની પેરિસની ગલીઓમાં એકલી ફરવા નીકળી છે અને ખૂબ એકલતા અનુભવે છે. આ ગીતની અંદર વાદળ દ્વારા સંદેશો પહોંચાડવા માટેની સુંદર વાત છે! આ ગીતમાં રાની પિયરમાં કેવી રીતે ઉછરી છે એ વિશે પણ ઉલ્લેખ છે. દરેક માતા-પિતા માટે પોતાની દીકરી લાડકી હોય છે. પેરિસનાં પુલ પર તાળુ મારીને ચાવી દૂર ફેંકતી વખતે શબ્દો છે કે કોઈ એને કહે કે બચપણમાં સાંભળેલી એ પરીઓની વાતો કેટલી ખોટી હતી! 


પેરિસમાં વિજયાલક્ષ્મીને મળ્યા પછી રાનીને થોડી રાહત થાય છે, એ પોતાના દિલની અંદરની વાત કોઈને કહી શકી છે. ડિસ્કોની બહાર વાત કરતી વખતે રાનીને જ્યારે બોલીવુડ ટ્યૂન સંભળાય છે, ત્યારે એ ખુશ થઈ જાય છે અને મન ભરીને નાચે છે એ વખતે ગીત છે 'હંગામા હો ગયા', જેને રિમિક્સ કરવામાં આવ્યું છે. { ઓરિજનલ ગીત ફિલ્મ- અનહોની (૧૯૭૩) } આ ગીતની અંદર દુનિયાના નિયમોની સામે બંડ પોકારવામાં આવ્યો છે કે જ્યારે એક છોકરીએ દારૂ ચાખ્યો તો દુનિયા અને સમાજ માટે ખૂબ મોટી વાત થઈ ગઈ! અરિજિત સિંઘ દ્વારા ગવાયેલા વધારાના શબ્દો જે ઓરિજનલ ગીતમાં નથી એ પણ ખૂબ જ સુંદર છે... 



'તાકે ઝાકે' ગીત ફિલ્મમાં જ્યારે આવે છે ત્યારે લાગે છે જાણે સમગ્ર પેરિસ શહેર જીવંત થઈ ગયું છે! રાની વિજયાલક્ષ્મીની સાથે સાથે થોડી ખુશ રહેતી થઈ છે. તડકો વાદળોની સાથે લડીને ખુશી લાવ્યો છે એવી પણ આ ગીતની એક પંક્તિ છે! જરા દિલ ખોલીને હસી લેવા માટે આ ગીત છે કે ખુશી સામે આવીને ઊભી છે, આ પળમાં જ જીવન છે! આ ગીત મને ખૂબ ગમે છે!





એ જ રીતે 'ઓ ગુજરિયા' ગીતમાં પણ રાનીની સાથે સાથે એમ્સ્ટરડમ જીવંત થાય છે. પોતાના ઘરે પત્તા રમતી વખતે જીતતી રાની કસિનોમાં પણ જીતે છે અને શહેરમાં ફરતી વખતે નવા મિત્રો તાકા, ઓલેકઝાન્ડર અને ટિમ સાથે ભરપૂર ખુશી મહેસૂસ કરે છે અને પ્રત્યેક પળને માણે છે. 'જુગની' ગીત ઘણી બધી રીતે રૂપક છે. રાની પોતે સ્વતંત્ર થવાની સાથે પગભર પણ થઈ રહી છે, એટલાં માટે ગીતનાં શબ્દો છે કે એને પાંખો ફૂટી છે માટે પિંજરુ ખોલી દેવામાં આવે! એમ્સ્ટરડમમાં માર્સેલોની પ્રેરણાથી રાની 'ગોલગપ્પા' બનાવી રહી છે, એ પળ જેની રાની કેટલા સમયથી રાહ જોતી હતી એ સવાર ઊગી છે એવું ગીતનાં શબ્દો દ્વારા કહેવાયું છે. 'કિનારે' ગીત પોતાની રીતે જિંદગી જીવવાની શીખ આપે છે, કોઈ તમને થોડી મદદ કરી શકે છે, એ કામ કરવાનું તો તમારે જ છે! પોતાની જિંદગી માટે લીધેલા નિર્ણયો સાથે કોઈ સહમત ન થાય તો પણ એ નિર્ણયો ખોટા હોય એવું નથી હોતું. રાની પોતાના મિત્રો સાથે 'રોક શો'માં છે એટલે આ ગીતને રોક મ્યુઝિક પણ અપાયું છે. એક પળમાં રાની એનાં મિત્રોથી છૂટા પડતી વખતે થોડી ઉદાસ થાય છે, પણ ફરી પાછી એ પોતાની મસ્તીમાં ઝૂમવા લાગે છે... 




( અને છેલ્લે 'કિનારે' ગીતનાં ગાયક મોહન કાનન દ્વારા ગવાયેલાં થોડા ગીતો સૂચવું છું, જો કોઈને ઇચ્છા થાય તો સાંભળી શકે...  
૧. ગીત - નાવ : ફિલ્મ - ઉડાન
૨. ગીત - શિકાયતે : ફિલ્મ - લૂટેરા
૩. ગીત - એક નદી થી : ફિલ્મ - મિર્ઝ્યા
૪. ગીત - ચાંદનિયા : ફિલ્મ - 2 સ્ટેટ્સ ) 


ક્વીન - મિઠાઈ, ગોલગપ્પા અને જિંદગીનો સ્વાદ

ફિલ્મ સ્પોઈલર્સ ...


'ક્વીન'માં એક સીન છે જ્યારે રાની અને વિજયની પહેલી વખત મુલાકાત થાય છે, વિજયની મા રાનીને કહે છે કે એ કેટલી સ્વીટ છે! એ રાનીની સરખામણી મિઠાઈ સાથે કરે છે અને તરત પછી પોતાના પુત્રને કહે છે કે, તુ મિઠાઈ ખા, અમે ગોલગપ્પા ખાઈએ. (ફિલ્મની અંદર પાછળથી ગોલગપ્પા વિશે પણ ઉલ્લેખ છે.) એ એક વાક્યમાં વિજયની મા છૂપી રીતે કહેવા માંગે છે કે એનો દીકરો વિજય રાનીની મિઠાઈ ચાખવાને બહાને એની સાથે થોડી વાત કરે. વિજય પણ રાની સાથે વાત કરતી વખતે કહે છે કે રાની પૂરી ચાસણીમાં બોળેલી હોય એવી છે. વિજયની રાની સાથે મુલાકાતો વધે છે એ વખતે પણ વિજય લાઈબ્રેરીમાં રાનીને સ્વીટ કહે છે. લગ્ન રદ થયાં પછી રાનીએ જે રૂમમાં પોતાની જાતને બંધ કરી છે, એની અંદર એ મિઠાઈનો લાડુ ખાય છે, જાણે પોતાની સાથે થયેલી કડવી ઘટનાને ગળપણથી ભરી દેવી હોય... 




રાની એમ્સ્ટરડમમાં જ્યારે તાકાને કહે છે કે ક્યારેક એ પોતાના માતા-પિતા સાથે દિવસમાં દસ વખત વાત કરે છે ત્યારે તાકા પણ એને સ્વીટ કહે છે. રાની ઈટાલિયન કૂક માર્સેલોને મળે છે એ વખતે માર્સેલો એને ફૂડ પીરસ્યા પછી જતો રહે છે, રાનીને ઈટાલિયન ફૂડ ફીક્કુ લાગે છે ત્યારે એ મસાલો નાખવા લાગે છે, ત્યારે માર્સેલો પાછો આવીને એને પૂછે છે કે એને કંઈક બીજુ જોઈએ છે, ત્યારે રાની જવાબ આપે છે સૉસ. એ પછી પણ રાની કહે છે કે લસણ, આદુ, સૂકા મરચા અને લીંબુ. રાનીને એ ફીક્કા ખોરાકની અંદર મીઠું નાખવું છે અને એની ઉપર લીંબુ પણ નીચોવવું છે. માર્સેલો એને કહે છે કે ઈટાલિયન ફૂડમાં મસાલા હોતા નથી, રાની ખુદ પણ એ વાત જાણે છે, કારણ કે એ 'હોમ સાયન્સ' ભણી છે. જ્યારે માર્સેલો પૂછે છે કે ઈન્ડિયન ફૂડમાં કેમ એટલો મસાલો હોય છે ત્યારે રાની જવાબ આપે છે સ્વાદ વધારે સારો આવે છે. પછીથી એ જ માર્સેલો રાનીને પ્રેરણા આપે છે કે રાનીએ એનાં સ્વાદ પ્રમાણેનો ખોરાક બનાવીને લોકો સુધી પહોંચાડવો જોઈએ. ત્યારે રાની પોતે 'ગોલગપ્પા' બનાવે છે, એક ગ્રાહકને એ ખૂબ તીખું લાગે છે પરંતુ થોડીવાર પછી એ ગ્રાહક ફરીથી આવે છે અને કહે છે કે એ એક વધારે ચાખશે, કારણ કે થોડા સમય પછી એ ગોલગપ્પાનો સ્વાદ વધારે સારો આવ્યો... 






જાણે આ બધા સીનમાં વિકાસ બહલ જિંદગી માટે રૂપક આપતા હોય કે જિંદગી પણ પહેલાં તીખી લાગશે પછી સ્વાદિષ્ટ લાગશે. ક્યારેક મોળી લાગશે, ક્યારેક ફીક્કી... રાનીનાં મસાલા નાખવા માટેનાં રૂપકમાં કદાચ એમ સૂચવાયું છે કે જિંદગી મોળી કે ફીક્કી લાગે તો સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલો નાખવો! એ મસાલો છે જિંદગીમાં જે નાની વસ્તુઓ ગમે છે એને માણીને જિંદગીને આનંદથી અને મોજથી જીવવી. માર્સેલો પણ રાનીનાં ગોલગપ્પા ચાખ્યા પછી એ જ કહે છે કે, તીખું પણ સ્વાદિષ્ટ! આ બધી નાની નાની રસપ્રદ વાતો આ ફિલ્મને સુંદર બનાવે છે... અને જિંદગી ખૂબ મીઠી હોય તો પણ પચતી નથી. જે રીતે એટલી સ્વીટ રાની પણ વિજયને લંડન ગયા પછી નાપસંદ પડેલી, એ જ રાની જ્યારે થોડી બદલાય છે ત્યારે વિજય ફરી એનો પીછો કરવા લાગે છે. સ્વાદિષ્ટ રસોઈમાં પણ કોઈ એક જ સ્વાદ સ્વાદિષ્ટ ન હોઈ શકે, દરેકને અલગ સ્વાદ પસંદ આવે છે. જિંદગીમાં પણ બધા જ સ્વાદ હોય તો જ જિંદગી સ્વાદિષ્ટ લાગે છે, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ, ક્યારેક ખુશી, ક્યારેક ઉદાસી, કયારેક નાપસંદગી, ક્યારેક સફળતા અને ક્યારેક નિષ્ફળતા અને બીજા કેટલાક સ્વાદ... તમારી જિંદગીનો સ્વાદ કેવો બનાવવો એ તમારા હાથમાં છે!





ફિલ્મ વિશે મારી પોસ્ટ - 
ક્વીન (૨૦૧૪) - જિંદગી જડી જવાની પ્રક્રિયા

ક્વીન - યાદોની દીવાલ અને મહેંદી ખરવાની પ્રક્રિયા

ફિલ્મ સ્પોઈલર્સ ... 



રાની એમ્સ્ટરડમમાં જ્યાં રોકાઈ છે એ 'બેકપેકર્સ હોસ્ટેલ્સ'માં રૂમની દીવાલ પર જે લોકો અત્યાર સુધી ત્યાં રોકાયા છે એમણે પોતાની વિવિધ વસ્તુઓ ત્યાં દીવાલ પર લગાવી છે. રાની જ્યારે ઓલેકઝાન્ડરને પૂછે છે ત્યારે એ જવાબ આપે છે કે લોકો પોતાનાં દિલ કે આત્માનો કોઈ ટુકડો, એમને ખૂબ ગમતી કોઈ વસ્તુ અહીં છોડીને જાય છે. આ દીવાલ પર વિવિધ ગીતો અને મ્યુઝિક આલ્બમની કેસેટ્સનાં કટઆઉટ્સ અને પોસ્ટર્સની વચ્ચે અર્નેસ્ટો "ચે" ગુવારાનો ફોટો પણ છે, અને ચાર્લી ચેપ્લિનની 'મોડર્ન ટાઈમ્સ' અને સ્ટેનલી ક્યુબ્રિકની '2001 - અ સ્પેસ ઓડીસી' મૂવિઝનાં પોસ્ટર્સ પણ છે. એક રમકડાનું વિમાન પણ છે ત્યાં જે કંઈક જરૂર સૂચવે છે. ઓલેકઝાન્ડર એ દીવાલ પર પેઈન્ટ કરે છે ત્યારે રાની પૂછે છે અને એ જવાબ આપે છે કે એને જે વસ્તુ પર ગુસ્સો આવે છે એ વસ્તુ એ પેઈન્ટ કરે છે. ઓલેકઝાન્ડર આ દુનિયાની અંદર ખનીજતેલ માટે જે યુધ્ધો થઈ રહ્યા છે, એની વિરુધ્ધમાં છે, એ ત્યાં એ પ્રકારનું ચિત્ર બનાવે છે. 


'ચે' ગુવારાનું પોસ્ટર, 'મોડર્ન ટાઈમ્સ'નું પોસ્ટર,
'2001 - અ સ્પેસ ઓડીસી'નો ફોટો અને રમકડાનું વિમાન


રાની એમ્સ્ટરડમમાંથી જઈ રહી છે એ સવારે જાગે છે ત્યારે જુએ છે તાકા વોશ બેઝિન આગળથી પોતાની વસ્તુઓ લઈ રહ્યો છે અને ઓલેકઝાન્ડર દીવાલ સામે જોઈ રહ્યો છે, રાની એની પાસે આવે છે ત્યારે ઓલેકઝાન્ડર એણે મજાકમાં બનાવેલું રાની ગરોળીથી ડરી ગયેલી એ વખતનું પોટ્રેટ લગાવે છે, એ એની યાદ છે જ્યારે ચારેય અલગ અલગ દેશોની વ્યક્તિઓ એક જંતુથી ડરી જઈને સાબિત કરે છે બધા માણસ સમાન છે. ટિમ દ્વારા પહેલેથી જ ત્યાં પોતાની મ્યુઝિક સીડી 'પ્રેસ્ટિજ' ત્યાં લગાવાઈ છે, જે ફક્ત દેખાય છે, એને માટે કોઈ સીન નથી. તાકા ત્સુનામીમાં માર્યા ગયેલાં પોતાનાં માતા-પિતાની તસવીર ત્યાં લગાવે છે. રાની આ બધુ જોઈને પોતાનાં લગ્નની કંકોત્રી ત્યાં લગાવે છે, અને એ બધા પોતાની એ યાદો હમેંશ માટે ત્યાં મૂકી દે છે. તાકા પોતાના માતા-પિતાનાં મૃત્યુનો શોક હમેંશ માટે ન મનાવી શકે, એણે એ દુ:ખને જવા દેવું પડશે, એ જ રીતે રાની પોતાનાં ન થયેલાં લગ્ન કાયમ યાદ ન રાખી શકે, એણે પણ જિંદગીમાં આગળ વધવું પડશે. 





ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે ક્રેડિટ્સમાં ફિલ્મનું નામ રાનીનાં હાથમાં મહેંદી લાગી રહી છે એની બાજુમાં આવે છે. એ પછી પ્રત્યેક પળે એના હાથની મહેંદીનો રંગ ચઢે છે અને એ પછી ધીમે ધીમે ઓછો થાય છે, એ આખી મહેંદી ખરવાની પ્રક્રિયાની અંદર રાની ક્યાંક બદલાઈ જાય છે. વિજય લગ્ન રદ કરે છે ત્યારે કોફી ટેબલ પર રહેલા હાથમાં મહેંદીનો રંગ પૂરો ખીલ્યો નથી. રાની ગયા પછી ટેબલ પર સહેજ ખરી પડેલી મહેંદી વિજય સાફ કરી દે છે, જાણે એ પોતાની જિંદગીમાંથી રાનીની બાદબાકી કરી રહ્યો હોય. ધીમે ધીમે ચડતો અને ઓછો થતો મહેંદીનો રંગ પેરિસ અને એમ્સ્ટરડમમાં પ્રત્યેક પળે રાનીનાં હાથનાં ક્લોઝ અપ શોટમાં આબાદ ઝીલાયો છે! ઈટાલિયન કૂક માર્સેલો જ્યારે રાની ગોલગપ્પા બનાવે છે, ત્યારે એપ્રન પહેરવા આપે છે, એ વખતે રાનીનાં હાથની મહેંદીનો રંગ સાવ જ ઝાંખો થઈ ગયો છે. હાથમાં મહેંદીની ડિઝાઈનની અંદર કોતરાવેલું વિજયનું નામ પણ હવે રહ્યુ નથી, એ સાથે જ રાનીની જિંદગીમાં પણ હવે વિજય માટે કોઈ જ જગ્યા નથી! 






ફિલ્મ વિશેની મારી પોસ્ટ -

ક્વીન (૨૦૧૪) - જિંદગી જડી જવાની પ્રક્રિયા





વિકાસ બહલની ફિલ્મ 'ક્વીન' ફક્ત સ્ત્રી સશક્તિકરણ માટેની ફિલ્મ નથી, પરંતુ કોઈ એક વ્યક્તિની આખી જિંદગી બદલાઈ જવાની પ્રક્રિયા છે. પોતાના હનીમૂન પર એકલા ગયેલી રાનીને આઝાદી અને સ્વતંત્ર વ્યક્તિત્વની સાથે સાથે કંઈક એવું જડી આવે છે, જેનાથી રાનીની આખી જિંદગી બદલાઈ જાય છે. કંઈક એવું એટલે જિંદગી પોતે, હમેંશા પોતાની નજીકનાં બધા જ લોકોની બધી જ વાત માનતી રાની દુનિયા વિશે જાણે છે, અજાણ્યા લોકો પર ભરોસો કરે છે અને જિંદગી માટે કહેવાતા નિયમો અને બંધનોની બહાર પોતાની ખુશી શોધે છે અને રાનીને હસતી રમતી ખુદ જિંદગી મળી આવે છે. 

ફિલ્મ સ્પોઈલર્સ


લગ્નનાં એક દિવસ પહેલા રાની (કંગના રણૌત) પોતાના થનાર પતિ વિજય (રાજકુમાર રાવ) પાસે જાય છે. લગ્નનાં એક જ દિવસ પહેલા બધા લોકોથી છુપાઈને આ રીતે મળવું રાની માટે સહેલું નથી, રાની સમજે છે કે વિજય એને ખૂબ પ્રેમ કરે છે અને લગ્નનાં એક દિવસ પહેલા પણ એ પોતાને મળ્યા વગર રહી શકતો નથી, રાની વિજયને એવી મીઠી મજાક પણ કરે છે. પણ, વિજય રાનીને કહે છે કે એ એની સાથે લગ્ન નહીં કરી શકે. થોડો સમય લંડનમાં રહેલો વિજય એમ કારણ આપે છે કે રાની એની સાથે ત્યાં સેટ નહીં થઈ શકે, પરંતુ મનની અંદર એને આ ભોળી છોકરી માટે હવે કોઈ લાગણી રહી નથી, રાનીની સરખામણી પોતાના મનની અંદર એ બીજી "કહેવાતી મોડર્ન છોકરીઓ" સાથે કરવા લાગ્યો છે અને રાની હવે એને પસંદ નથી. રાનીની નિર્દોષ જિંદગી હચમચી જાય છે. રસપ્રદ વાત એ છે કે રાની અને વિજય મળ્યા છે એ જગ્યા છે - 'કેફે કોફી ડે' - જેની ટેગલાઈન છે - 'અ લોટ કેન હેપન ઓવર કોફી' - રાની સાથે સાચે જ એ એક પળની અંદર ઘણું થઈ જાય છે, એ કંઈક ખરાબ પણ હોઈ શકે, સારુ પણ. એ પળની અંદર રાનીને અને આપણને બધાને લાગે છે કે ખરાબ થયું છે, પણ, ફિલ્મને અંતે ખ્યાલ આવે છે કે એ થયું એ જ સારુ થયું. 




રાની અને વિજય બંનેએ હનીમૂન પર પેરિસ અને એમ્સ્ટરડમ જવાનું નક્કી કરેલું. રાની લગ્ન રદ થાય છે એ પછી પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દે છે અને ત્યારનાં ખરાબ સમયની સાથે ભૂતકાળની સારી યાદો પણ રાનીને ઘેરી વળે છે. રાની યાદ કરે છે એ પળો જ્યારે વિજય સાથે એની પહેલી મુલાકાત થયેલી, વિજય જ્યારે એની સાથે વાત કરવા માટે કોલેજ સુધી પીછો કરતો, વિજયે એની સાથે પ્રેમનો એકરાર કરેલો અને બીજી ઘણી વાતો. રાની પોતાનું પાનેતર ખભે મૂકીને અરીસામાં જુએ છે, એ લગ્ન જે રદ થયા છે, એની ખુશી હવે એને મહેસૂસ નહીં થાય, પણ એને એ પળમાં અહેસાસ થાય છે કે પેરિસ અને એમ્સ્ટરડમ ફરવા જવું એનું સપનું છે, એ પિતા સાથે વાત કરે છે પોતાના હનીમૂન પર એકલા જવા માટે. એ પણ, જો એમની ઇચ્છા હોય તો જ. રાની ગભરાતી ખચકાતી પ્લેનમાં બેસે છે, એની બાજુની સીટ ખાલી છે, જ્યાં વિજય બેઠો હોત જો એમનાં લગ્ન થયા હોત તો... પરંતુ હાલ રાનીની જિંદગીની અંદર ખાલીપો આવી ગયો છે, એ ખાલી સીટ એની એકલતા દર્શાવે છે. જ્યારે રાની હોટેલનાં રૂમમાં બેસીને ટેલિવિઝન જુએ છે ત્યારે રાનીની દાદી ફોન પર કહે છે કે ટેલિવિઝન છોડીને એણે બહાર નીકળવું જોઈએ, પેરિસ દુનિયાના સૌથી સુંદર શહેરોમાંથી એક છે... રાની બહાર નીકળે છે, પોતાની રીતે એકલા રસ્તો પાર કરતા ડરે છે, એને ખૂબ અલગ લાગે છે. થોડી પળો ખૂબ સુંદર રીતે કેમેરાની અંદર કેદ થઈ છે, જ્યારે એફિલ ટાવરને જોઈને રાનીને વિજય યાદ આવે છે, રાની વિજય સાથે એફિલ ટાવર પર જવાની હતી. એફિલ ટાવરને જોઈને એ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, એ વિજયની યાદોથી દૂર ભાગવા માંગે છે. રાની એ જ એફિલ ટાવર પછીથી વિજય નહીં પણ વિજયાલક્ષ્મી સાથે જુએ છે અને ખુશ થાય છે. રાની પોતાની યાદોથી દૂર જતા અને પોતાની જાતને રાહતની લાગણી મહેસૂસ કરાવતા શીખી જાય છે. પેરિસની હોટેલમાં સ્યૂટકેસ ચડાવતી વખતે એને મુશ્કેલી પડે છે, પરંતુ એમ્સ્ટરડમ જતી વખતે વિજયાલક્ષ્મીએ આપેલ બેકપેક એ આરામથી ખભે ભરાવી શકે છે. ચોર રાનીનું પર્સ ચોરવાનો પ્રયત્ન કરે છે એ પછી ટેક્સીમાં બેસે છે ત્યારે એ ઉદાસ હોય છે, થોડા સમય પછી વિજયાલક્ષ્મીને પોતાની વાત કર્યા પછી અને ડિસ્કોમાં ભરપૂર નાચ્યા પછી એવી જ કોઈક ટેક્સીમાં એને રાહત મળે છે જેમાં એ ખુલ્લા હાથ કરીને સીટ પરથી ઊભી થઈ શકે છે. આ પ્રકારનાં બનાવોમાં એની અંદર પ્રત્યેક પળે પરિવર્તન આવે છે અને એ જિંદગી વિશે કંઈક ને કંઈક નવું શીખે છે.  







રાની વિજયાલક્ષ્મી સાથે ડિસ્કોમાં છે એ વખતે યાદ કરે છે કે એક લગ્નમાં એ જ્યારે દિલ ખોલીને નાચતી હતી ત્યારે વિજયને સમાજનાં નિયમો અને લોકોની ચિંતા હતી. લોકો જોશે, લોકો વિચારશે એમાં જ આપણી મોટાભાગની વાતો પૂરી થઈ જાય છે અને આપણી આવી નાની નાની ઇચ્છાઓ દિલમાં ક્યાંક કોઈક ખૂણે ઊંડે ધરબાઈ જાય છે. રાની ડિસ્કોમાં મન ભરીને નાચે છે, એ પોતાનો બાંધેલો ચોટલો ખુલ્લો મૂકે છે અને વાળ ખુલ્લા કરે છે, એ રાનીનું બંધનથી આઝાદી તરફ જવા માટેનું રૂપક છે. એ કોઈની ગુલામ નથી, એણે શા માટે બંધાઈને રહેવું જોઈએ? એણે શું કામ બીજાની ઇચ્છાઓ માટે પોતાની ઇચ્છાઓ રોકવી જોઈએ? રાનીની ઇચ્છા નોકરી કરવાની હોય છે ત્યારે વિજયને પૂછે છે અને જવાબ મળે છે કે એ એને ભૂખે નહીં મારે, એની પાસે નોકરી છે તો રાનીએ નોકરી કરવાની જરૂર નથી. કોઈ છોકરી/સ્ત્રી ફક્ત પૈસા માટે નોકરી નથી કરતી, એ પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકે, એને થોડીક આઝાદી મળે એ માટેની એની ઇચ્છા હોય છે. એમ્સ્ટરડમમાં ઈટાલિયન કૂક માર્સેલો જ્યારે રાનીને પોતાને ત્યાં આવી એનું મનગમતું ફૂડ બનાવવા માટે પૂછે છે ત્યારે રાનીને થોડી નવાઈ લાગે છે કે કોઈ એને સામેથી નોકરી આપે છે, અને એ જગ્યાએ એ સરસ ગોલગપ્પા બનાવીને પોતાની જાતને સાબિત કરે છે. એવી જગ્યા જ્યાં રસોઈ માટેની, સંગીતકાર તરીકેની કે ચિત્રકાર તરીકેની કારકિર્દી પણ હોઈ શકે છે એવું રાની શીખે છે. રાનીને કાર ચલાવતાં શીખવતી વખતે વિજય કહે છે કે એને ક્યારેય કાર નહીં આવડે. પરંતુ એ જ રાની પોતાની રીતે એમ્સ્ટરડમમાં ડ્રાઈવ કરે છે. એમ્સ્ટરડમમાં પહેલી રાતે રૂમની બહાર બેન્ચ પર રાની સૂતી હોય છે ત્યારે સપનામાં જુએ છે કે વિજય બસ કન્ડક્ટર છે અને એને કહે છે કે એ લોકોનો હોદ્દો અને દરજ્જો મેળ નથી થતો. ફિલ્મની શરૂઆતમાં વિજય આડકતરી રીતે લગ્ન રદ કરવા પાછળ એ જ કારણ આપે છે અને થોડા દિવસો પછી રાની પોતાના ઉચ્ચ વિચારોને કારણે વિજયથી ઘણી ચડિયાતી થઈ ગઈ છે. પેરિસમાં એક પુલ છે જ્યાં લોકો તાળાને બંધ કરી ચાવી દૂર ફેંકી દે છે. (કદાચ એ થોડા સમય પહેલાં ફ્રેન્ચ સરકારે બંધ કર્યુ છે.) લોકોનાં પોતાના વિવિધ નામ અને પ્રેમનાં સંદેશા લખેલા તાળા ત્યાં લટકેલાં છે, રાની પાસે કોઈ કારણ નથી એ પ્રકારનું કોઈ તાળુ લટકાવવા માટે, પણ એ પરાણે એ લોક કરે છે અને એની સાથે જાણે એની બધી જ ખરાબ યાદો કેદ કરીને ચાવી દૂર ફેંકી દે છે. 










રાની પોતે એકલા હનીમૂન પર જવા માટે પિતાની મંજૂરી માંગે છે એ સમયે ખચકાય છે, પરંતુ એ પછી એ દરેકને ખૂબ ગર્વથી કહે છે કે એ પોતાના હનીમૂન પર એકલી આવી છે. પેરિસમાં દારૂ પીધા પછી અજાણ્યા લોકો સાથેની વાત હોય કે એમનાં દૂરના સગા મિસ્ટર અને મિસિસ વર્માને ઘેર કહેવું હોય ત્યારે એમને કહેતી વખતે એને ગર્વ થાય છે કે એ પોતાના હનીમૂન પર એકલી આવી છે. વિજય એમ્સ્ટરડમમાં જ્યારે જાણે છે કે રાની હોસ્ટેલમાં છોકરાઓની સાથે રૂમમાં રહી છે ત્યારે વિજય એને સમાજનાં નિયમોથી ડરાવે છે, એ વખતે પણ રાની હિંમતભેર વિજયને કહી શકે છે કે વિજય પોતાની મમ્મીને એ વાત જણાવી શકે છે. રાની જ્યાં સુધી સગાઈની અંદર છે ત્યાં સુધી એક પણ વખત કોઈનું પણ અપમાન નથી કરતી, એટલે સુધી કે ઉપરનાં સીનમાં અને ફિલ્મનાં છેલ્લા સીનમાં પણ જ્યારે એ વિજયની માતાને મળવા જાય છે ત્યારે 'મમ્મીજી' જ સંબોધન કરે છે. રાની પેરિસમાં વિજયાલક્ષ્મીને કહે છે કે છોકરીઓ ખુલીને ઓડકાર ખાઈ શકતી નથી. છોકરીઓને બીજી ઘણી વાતોની મંજૂરી નથી. પરંતુ એ જ રાની થોડા સમય પછી પોતાની માતાને ગર્વથી કહી શકે છે કે એમ્સ્ટરડમમાં એ ત્રણ છોકરાઓ સાથે રહેલી અને એમની સાથે એની સારી દોસ્તી થઈ. રાનીની મા જ્યારે રાની વિજયને ઘેર છેલ્લે એકલી જાય છે ત્યારે કહે છે રાની એના નાના ભાઈને ચિંટુને લઈ ગઈ હોત તો વધારે સારુ રહેતું, રાની જ્યારે પેરિસ જતી હતી ત્યારે પણ એની મમ્મીએ એ જ વાત કહેલી, પણ ફિલ્મને અંતે રાનીના પિતા એને સમજી જાય છે અને રાનીની માતાને કહે છે કે એમની છોકરી અડધી દુનિયા પોતાની રીતે એકલા ફરીને આવી છે, હવે કોઈ જ ડર નથી. એ જ રાની ફિલ્મને અંતે પોતાની ફેસબુક ટાઈમલાઈન પર પણ પોતાનું સિંગલ સ્ટેટસ મૂકે છે. 






વિજય અને રાની એમ્સ્ટરડમમાં મળે છે ત્યારે અને રાની દિલ્હી આવ્યા બાદ વિજયનાં ઘેર જાય છે, એ બે સીન્સ રાનીની અંદર આવેલું પરિવર્તન સ્પષ્ટપણે દર્શાવે છે. એમ્સ્ટરડમમાં બે-ત્રણ દિવસ જ રહી હોવા છતાં પણ એ કેફેનાં વેઈટર સાથે એની ઓળખાણ થઈ ગઈ છે, વેઈટર એને ચા આપતી વખતે એનું નામ લઈને ચા આપે છે એ જ રીતે રાની પણ એનો આભાર માનતી વખતે એનું નામ લે છે. એ નાનામાં નાના માણસની સાથે પહેલેથી સારી રીતે વાત તો કરતી જ હતી, (જે ફિલ્મનાં એક સીનમાં લીંબુ પાણી પીતી વખતે પણ છે.) પરંતુ કદાચ આ રૂપક છે કે એ અજાણ્યા લોકો પર ભરોસો કરીને જિંદગી વિશે ઘણું શીખી છે, નાની વાતોમાં ખુશ રહેતા શીખી ગઈ છે. એ વિજયને પણ કહે છે કે એણે એફિલ ટાવર પણ જોયો, ભલે એ સાથે નહોતો તો પણ. વિજય એને રોક શોમાં ન જવા કહે છે ત્યારે રાની કહે છે કે રોક શો મહત્વનો નથી. પણ, એનાં મિત્રો મહત્વનાં છે જેમને એ છેલ્લી વખતે સરખી રીતે આવજો કહી શકી નથી અને એને જાણ પણ નથી કે હવે ક્યારે એમને મળશે. વિજયને છેલ્લે સગાઈની વીંટી પાછી આપતી વખતે એ કોઈ કડવી વાત નથી કહેતી પરંતુ વિજયનો આભાર માને છે કારણ કે રાનીની જિંદગી બદલાઈ ગઈ છે. એ પોતાની રીતે જીવનમાં ખુશ રહેતા શીખી ગઈ છે અને જિંદગી વિશે કેટલીક વાતો શીખીને ખુદ જિંદગીને પામી છે. 




ફિલ્મ વિશે મેં લખેલી બીજી પોસ્ટ્સ - 




ફિલ્મ વિશે જય વસાવડાની લખેલી પોસ્ટ - 



ફિલ્મ વિશે એક બ્લોગર મિત્ર પંકજની કેટલીક પોસ્ટ્સ -




Alice(s) in Wonderland