Saturday 23 September 2017

મૌસમ (૨૦૧૧) - વિવિધ ઋતુઓ સાથે ખીલતો પ્રેમ



આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે...

કોઈ ખાસ વ્યક્તિને સમર્પિત...

પંકજ કપૂરની ફિલ્મ 'મૌસમ' દસ વર્ષનાં સમયગાળાની સાંપ્રત ઘટનાઓને સાંકળી લઈને હેરી (શાહિદ કપૂર) અને આયત (સોનમ કપૂર) બંનેના પ્રેમની વાર્તા માંડે છે. વર્ષ ૧૯૯૨થી વર્ષ ૨૦૦૨ વચ્ચે બનેલી મોટાભાગની ઘટનાઓ આ બંને પ્રેમીઓની જુદાઈ અને ફરીથી મિલનનું કારણ બને છે. મોટાભાગના લોકોએ આ ફિલ્મને પસંદ નહોતી કરી અને આજે પણ ફિલ્મ વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે, પરંતુ મારી ખૂબ જ મનપસંદ એવી આ ફિલ્મનાં છ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે હું થોડીક સુંદર વાતો જરૂર લખીશ. 

ફિલ્મનાં નામ પ્રમાણે હેરી અને આયતનો પ્રેમ દરેક ઋતુમાં ખીલે છે અને સમય જતાં વધારે ગાઢ અને પૂરા મન પર કબજો જમાવી લે તે હદ સુધી પહોંચે છે. હેરી અને આયત જ્યારે પણ મળે છે ત્યારે અલગ ઋતુ ચાલતી હોય છે. તેઓ નવેમ્બરની ઠંડી વચ્ચે વરસાદનો અનુભવ કરે છે, એપ્રિલની ગરમી પણ અનુભવે છે અને ફરીથી ફેબ્રુઆરીની ફૂલગુલાબી ઠંડી... 'રબ્બા' ગીતનાં શબ્દોમાં પણ આયતના પાત્રને વિવિધ ઋતુઓ સાથે સરખાવ્યું છે... ફિલ્મમાં દરેક સમયગાળો લખાઈને આવે છે ત્યારે મહિનો પણ લખેલ હોય છે. બધી ઋતુઓ અને વર્ષોનાં સમયગાળામાં દરેક વસ્તુ અને વ્યક્તિમાં પણ ફેરફાર આવે છે, ફક્ત એક વસ્તુ જે બદલાતી નથી, તે બંનેનો પ્રેમ છે... 






જિંદગીમાં ઘણી વખત જૂની વસ્તુઓ અને યાદો ભૂલી શકાતી નથી, સમાન વસ્તુઓ વારંવાર બને છે ત્યારે પણ એ જૂની વાતો ફરી યાદ આવે છે. મલ્લુકોટમાં હેરી અને તેના મિત્રો જમીનમાં રાખવામાં આવતી મોટી ચીમની આકારની પાઇપમાં બેસીને ભવિષ્ય વિશે વાત કરે છે, સ્કૉટલેન્ડમાં હેરી અને આયત એ જ પ્રકારની પાઇપમાં બેસીને લગ્ન વિશેનાં સ્વપ્નો જુએ છે, અમદાવાદમાં હેરી ફરીથી એ જ પ્રકારની પાઇપમાં આયતને મળે છે, જિંદગી બદલાઈ ચૂકી છે, લોકો આગળ વધી ગયા છે, પરંતુ આયત અને હેરી બંને એકબીજાનાં પ્રેમમાંથી છૂટી શકતાં નથી. એક જ જેવી વિવિધ જગ્યાઓ સાથે બદલાતો સમયગાળો અને ન બદલી શકાતી લાગણીઓની સાથે દર્દ આપતી યાદોને સુંદર રીતે દર્શાવી છે.

હેરી અને આયત જૂની વસ્તુઓ અને યાદોને સાચવી રાખે છે. તેઓ દૂરબીનથી એકબીજાને જોઈ રહેતા એ સમયગાળો યાદ કરે છે, પાછળ છૂટી ગયેલું શહેર યાદ કરે છે, બંનેએ એકબીજા સાથે પહેલી વખત વાત કરેલી એ વખતે આપેલી ચીઠ્ઠીઓ, જૂના ફોટોગ્રાફ્સ અને સૂકાયેલાં ગુલાબનાં ફૂલો સાચવી રાખે છે, કારણ કે વસ્તુઓને ફેંકી દેવાથી પણ ક્યારેય યાદોથી છૂટકારો મળતો નથી.  






ફિલ્મનું સંગીત ખૂબ જ સુંદર છે. 'રબ્બા' ગીત વિવિધ ઋતુઓ સાથે આયતનું વર્ણન કરે છે, તે સાથે જ હેરી અને આયતનાં પ્રેમની શરૂઆત દર્શાવે છે. 'ઇક તુ હી તુ હી' ગીત બંને પ્રેમીઓનાં મિલન અને જુદાઈ સમયની યાદોને વાગોળે છે અને દર્શાવે છે કે તેઓ કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરી શકતાં નથી. આયતની જિંદગીમાં અક્રમ (વૈભવ તલવાર) આવે છે, પણ તે તેનો પ્રેમ સ્વીકારતી નથી. તે જ રીતે રજ્જો (અદિતિ શર્મા) હેરીને બેશુમાર પ્રેમ કરે છે, પણ હેરી આયત સિવાય કોઈને પ્રેમ કરતો નથી. કારણ કે હેરી અને આયત જ એકબીજા માટે સર્જાયેલ છે. 'પૂરે સે ઝરા સા કમ હૈ' ગીતમાં એકબીજા વિનાની અધૂરી જિંદગીનું સુંદર વર્ણન છે. 'આગ લગે ઉસ આગ કો' ગીત પ્રેમની જલન દર્શાવે છે. ફિલ્મમાં જૂના ગીતોનો પણ ઉલ્લેખ છે. એક દ્રશ્યમાં ફિલ્મ 'બીસ સાલ બાદ'નું સુંદર ગીત 'ઝરા નઝરો સે કેહ દો' દર્શાવેલ છે. સ્કૉટલેન્ડમાં આયત 'હમ દોનો' ફિલ્મનું 'અભી ન જાઓ છોડ કર' ગીત ગાય છે, જે હેરીને પોતાને છોડીને ન જવા માટેની વાત કહે છે, જે ફિલ્મની સ્થિતિ સાથે સુંદર રીતે મેળ ખાય છે. ફિલ્મમાં પઠાણે ખાન/ પઠાણા ખાનનું સુંદર ગીત 'મેંડા ઇશ્ક ભી તુ' પણ દર્શાવેલ છે. ફિલ્મનાં આલ્બમમાં ન રજૂ થયેલ ગીત 'ઝરા સી મહેંદી લગા દો' પણ ખૂબ જ સુંદર છે, જે હેરી અને આયત બંનેની પ્રથમ વાતચીત દર્શાવે છે. 

 















ફિલ્મમાં સુખદ અંત છે, તે છતાં પણ હું જેટલી વખત ફિલ્મ જોઈશ ત્યારે મને તેઓનું દર્દ મહેસૂસ થશે, કારણ કે જે રીતે તેઓ એકબીજાનાં ઘરની સામે જોઈ રહે છે, આયત હેરીને પત્રો લખે છે, તે વસ્તુઓ મારી અંદર એક ન વ્યક્ત કરી શકાય તે પ્રકારની અધૂરી લાગણી મૂકી જાય છે. ફિલ્મમાં પ્રેમનું જૂનુન દર્શાવ્યું છે, હેરી આયતનાં પ્રેમમાં મરવા માટે તૈયાર છે, રજ્જો હેરીનાં પ્રેમ માટે મરવા તૈયાર છે, આયત પણ એ જ વાત કહે છે કે જો હેરી એને ન મળ્યો હોત તો એ એને જોયાં વિનાં જ મૃત્યુ પામતી, જે તેની અંદરની અધૂરપ દર્શાવે છે. રજ્જો હેરીને પ્રેમ કરે છે માટે આયતનો પત્ર હેરીને આપતી નથી, આ પ્રકારની નાની વાતો પ્રેમની ચરમસીમાની સાથે પાત્રો વિશે વિગતો આપે છે... 





ફિલ્મમાં થતી વિવિધ ઘટનાઓ આયત અને હેરીનું ભાગ્ય નક્કી કરે છે. બાબરી ધ્વંસથી માંડીને કારગિલ યુધ્ધ અને ગોધરા હત્યાકાંડ પછીનાં તોફાનો હેરી અને આયતની જુદાઈ અને મિલન નક્કી કરે છે. ફિલ્મમાં બંને પાત્રોનો અલગ ધર્મ દર્શાવે છે કે પ્રેમ અને માનવતાથી મોટો કોઈ જ ધર્મ નથી. હિંસા કરતા લોકોનો કોઈ ધર્મ અને ચહેરો હોતો નથી, તે વાતને પણ ખૂબ જ સુંદરતાથી દર્શાવેલ છે. 




સફેદ રંગને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે, એ સાથે જ શુધ્ધતા દર્શાવવા માટે પણ સફેદ રંગ સૂચક છે. વિવિધ રંગો સાથે પ્રેમને સાંકળી લેતું અર્થઘટન મને હમેંશા પસંદ છે. આ ફિલ્મમાં હેરી અને આયત ત્રણેય અલગ સમયગાળામાં ત્રણ દ્રશ્યોમાં સફેદ વસ્ત્રોમાં છે. તેઓનો પ્રેમ પવિત્ર અને શુધ્ધ છે, જે વર્ષોની કસોટી પાર કરીને પણ મંજિલ મેળવે છે. સ્કૉટલેન્ડમાં હેરી અને આયત લાલ રંગના પાણીમાં હાથ બોળીને દીવાલ પર થાપા લગાવે છે, જે પ્રેમનો રંગ છે. ફિલ્મનાં અંતમાં તેઓનાં થાપાનો રંગ વાદળી છે, જે વિશ્વાસ અને સ્થિરતાનું પ્રતીક છે, વર્ષો સુધી પોતાનાં પ્રેમીઓને શોધતા રહેલા લોકો વાદળી રંગનાં થાપા લગાવે છે, જે તેઓનાં લગ્ન પછીની સ્થિરતા દર્શાવે છે. કેટલી નાની વાતોનું સુંદર અર્થઘટન થઈ શકે છે! તે જ રીતે ફિલ્મની વાર્તામાં મોઝાર્ટ કોન્સર્ટ પણ મહત્વનો ભાગ ભજવે છે અને એક દ્રશ્યમાં મોઝાર્ટને લગતું પુસ્તક પણ છે. કેટલીક ફિલ્મોનાં નસીબમાં સફળતા હોતી નથી, તે માટેનું ઉદાહરણ આ ફિલ્મ પણ છે, તે છતાં આ પ્રકારની નાની સુંદર વાતો અને બીજી કેટલીક વાતો, જે શબ્દોમાં વ્યક્ત થઈ શકશે નહીં, એ બધી વાતો માટે 'મૌસમ' હમેંશા મારી મનપસંદ રહેશે... 








Books in Movies





2 comments: