ગીત - આયત
ફિલ્મ - બાજીરાવ મસ્તાની (૨૦૧૫)
સંગીત - સંજય લીલા ભણસાલી
ગીતકાર - એ. એમ. તુરાઝ, નસીર ફરાઝ
ગાયકો - અરિજિત સિંઘ, મુજતબા અઝીઝ નઝા, શદબ ફરીદી, અલ્તમશ ફરીદી, ફરહાન સબ્રી
ગાયકો - અરિજિત સિંઘ, મુજતબા અઝીઝ નઝા, શદબ ફરીદી, અલ્તમશ ફરીદી, ફરહાન સબ્રી
આ પોસ્ટ અજય અખાણીને સમર્પિત...
કોઈ વ્યક્તિને કેટલો પ્રેમ કરી શકાય એની કોઈ માત્રા કે સીમા હોતી નથી. ખરેખર પ્રેમ શું છે, એ વિશે પણ જાતજાતનાં મંતવ્યો પ્રવર્તે છે. દરેક વ્યક્તિની પ્રેમ વિશેની વ્યાખ્યા પણ અલગ હોય છે. સમય સાથે પ્રેમ જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થાય છે.
પ્રાચીન અરેબિક સાહિત્ય પ્રમાણે પ્રેમ સાત તબક્કાઓ ધરાવે છે:
૧. હબ (આકર્ષણ)
૨. ઉન્સ (મોહ/મુગ્ધતા)
૩. ઇશ્ક (પ્રેમ)
૪. અકિદત (વિશ્વાસ/આદર)
૫. ઇબાદત (પૂજા/ઉપાસના/આરાધના)
૬. જુનૂન (ઉન્મત્તતા/ઘેલછા)
૭. મૌત (મૃત્યુ)
કોઈ વ્યક્તિ સાથે પ્રથમ વખત મુલાકાત થાય, એ વખતે વ્યક્તિ ગમવા લાગે એ આકર્ષણ છે. મોટાભાગનાં પ્રેમની શરૂઆત આકર્ષણથી થાય છે. એ પછી વ્યક્તિને પામવાનો મોહ જાગે છે, એ વ્યક્તિને પ્રેમ કરવાની અને સામે પ્રેમ મેળવવાની ઘેલછા જાગે છે. એ વ્યક્તિ પર આંખો બંધ કરીને ભરોસો કરવામાં આવે છે. પ્રેમ એક હદ પાર કરે પછી એ વ્યક્તિની જ મનોમન પૂજા થવા લાગે છે. એ પણ એક ઘેલછા અને ઉનમત્તતા જ છે, પરંતુ પ્રેમ માટે કોઈ બંધનો હોઈ શકે જ નહીં. જે વ્યક્તિ માટે આદર હોય, એને માટે પૂજ્યભાવ હોય જ છે. છેલ્લો તબક્કો છે, મૃત્યુ. (જે સુખદ અંત નથી, પરંતુ મૃત્યુ પછી પ્રેમીઓનો મેળાપ થાય એ માનવા માટે એ તબક્કો છે.)
મોટાભાગની મહાન પ્રેમકથાઓ વધારે કે ઓછી માત્રામાં આ સાત તબક્કાઓમાંથી પસાર થાય જ છે. સંજય લીલા ભણસાલીની 'બાજીરાવ મસ્તાની' પણ એક રીતે મહાન પ્રેમકથા છે જ. ફિલ્મ મેં ખાસ્સા સમય પહેલાં અને એ પણ એક જ વખત જોઈ છે, એટલે મને ખાસ યાદ નથી. પરંતુ ફિલ્મનું આ ગીત 'આયત' એક રીતે ઉપર લખેલાં સાતમાંથી ત્રણ તબક્કાઓનો ઉલ્લેખ કરે છે. (ઇશ્ક, ઇબાદત અને મૌત)
*********************************
તુઝે યાદ કર લિયા હૈ
આયત કી તરહ
કાયમ તુ હો ગયી હૈ
રિવાયત કી તરહ
મરને તલક રહેગી
તુ આદત કી તરહ
આયતનો અર્થ થાય છે 'ધાર્મિક પંક્તિઓ'... જે રીતે હિન્દુ ધર્મગ્રંથોમાં શ્લોક હોય છે, એ જ રીતે મુસ્લિમ ધર્મગ્રંથોમાં આયત હોય છે. પૂજા કરવામાં આવે છે, ત્યારે જે શ્લોક યાદ હોય તે પછી ક્યારેય ભૂલી શકાતો નથી, એને કંઠસ્થ કર્યુ એમ પણ કહેવામાં આવે છે. ગીતની પ્રથમ જ પંક્તિમાં એ ઉલ્લેખ આવે છે કે પ્રિય પાત્ર કંઠસ્થ છે! એક વ્યક્તિ જ આખી યાદ કરી લીધી છે, જે ભૂલાશે નહીં. બીજી પંક્તિમાં પણ એ જ પ્રકારે શબ્દો છે કે પ્રિય પાત્ર રિવાજની જેમ જીવનમાં વણાઈ ગયું છે. (રિવાયતનો અર્થ - રિવાજ/માન્યતા) એ વ્યક્તિ મૌત આવે ત્યાં સુધી એક આદતની જેમ રહેશે. એક રીતે રિવાજ પણ એક આદત જ છે, સદીઓથી ચાલી આવે છે તે પરંપરાઓ નિભાવવી એ પણ એક આદત જ છે, કારણ કે એ નિભાવવાની ટેવ પડી ગઈ છે.
યે તેરી ઔર મેરી
મહોબ્બત હયાત હૈ
હર લમ્હા ઇસમેં જીના
મુકદ્દર કી બાત હૈ
કહેતી હૈ ઇશ્ક દુનિયા જિસે
મેરી જાન-એ-મન
ઇસ એક લફ્ઝ મેં હી છુપી કાયનાત હૈ
આ શબ્દોની અંદર પ્રેમની શાશ્વતતા વિશે વાત કરવામાં આવી છે, એ સાથે જ પ્રેમની એક અલગ વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રેમ એક રીતે કાયમી નથી. પરંતુ મહાન પ્રેમીઓનાં મૃત્યુ પછી પણ પ્રેમ કાયમ રહે છે. ઉપરની પંક્તિમાં આ પળની અંદર જે પ્રેમ છે, એની અંદર જીવન વ્યતિત કરવું એ એક નસીબની વાત છે, એમ કહેવામાં આવ્યું છે. કારણ કે સત્ય એ જ છે, જે આ પળમાં છે એને માણી લેવુ એ જ જિંદગી છે. એ પછી પ્રેમની વ્યાખ્યા એ રીતે અલગ કરવામાં આવી છે કે જેને પ્રેમ ગણવામાં આવે છે એ એક શબ્દની અંદર જ વિશ્વ સમાઈ જાય છે! (કાયનાત - બ્રહ્માંડ) ફિલ્મનાં અંતે એક સંવાદ છે, "દરેક ધર્મ પ્રેમ શીખવાડે છે, પણ, પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી, પ્રેમ પોતે જ એક ધર્મ છે." અહીં પ્રેમ આખી દુનિયા અને ધર્મોથી પણ ઉપર માનવામાં આવ્યો છે.
મેરી દિલ કી રાહતો કા તુ
ઝરિયા બન ગયી હૈ
તેરી ઇશ્ક કે મેરે દિલ મેં
કઈ ઈદ મન ગયી હૈ
પ્રિય પાત્રને યાદ કરીને જે રાહત અનુભવાય છે, તે માટે આ શબ્દો રાખવામાં આવ્યા છે. હૃદયની અંદર જે રાહત મહેસૂસ થાય છે એનું માધ્યમ પ્રિય પાત્ર છે. એ પછી પ્રેમને ઈદ સાથે સરખાવીને પ્રેમને ઉત્સવનું બિરુદ આપવામાં આવ્યું છે. ઉત્સવને દિવસે ખુશ રહીને ઉજવણી કરવામાં આવે છે. પ્રેમની અંદર દરેક પળ જીવીને, ખુશ રહીને એ પ્રકારે ઘણાં તહેવારો મનાવી લીધા છે એ સૂચવવા માટે એ શબ્દો રાખવામાં આવ્યા છે.
તેરા ઝિક્ર હો રહા હૈ
ઇબાદત કી તરહ
અહીં પ્રિય પાત્રની પ્રાર્થના કે પૂજા કરાઈ રહી છે, એ સૂચવાયું છે. જ્યારે પ્રિય પાત્રનો ઉલ્લેખ થાય છે ત્યારે એ ઉલ્લેખની અંદર પૂજ્યભાવ ભળી ગયો છે. ફિલ્મની અંદર મસ્તાની (દીપિકા પાદુકોણ) એક સમયે કહે છે કે, "ઇશ્ક ઇબાદત છે, ઇબાદત માટે ઇજાઝતની જરૂર નથી." પૂજા કરવા માટે કોઈની મંજૂરી લેવાની જરૂરત હોતી નથી. જે વ્યક્તિની પૂજા કરવામાં આવે એણે ધન્યતા અનુભવવી જોઈએ, કારણ કે કોઈની પ્રાર્થનામાં હોવું એનાથી સલામત બીજી કોઈ જ જગ્યા નથી!
*********************************
ફિલ્મનો અંત પ્રેમનો અંતિમ તબક્કો મૃત્યુ પણ વર્ણવે છે. મૃત્યુ પછી પ્રેમીઓનો થતો મેળાપ ફિલ્મનાં અંતમાં દર્શાવવામાં આવ્યો છે. એ સંવાદોની અંદર સૂચવવામાં આવ્યું છે કે એ લોકો જે દિવસે આકાશની અંદર આથમતો સૂર્ય અને ઉગતો ચંદ્ર સાથે હશે, ત્યારે મળશે. જ્યારે આ દુનિયાનાં નિયમો, ધર્મોની સાંકળો કે બીજા કોઈ જ બંધનો નહીં હોય, અને એ દિવસે એ લોકો શાશ્વત સમય માટે (કાયમ માટે) એકબીજાની સાથે જોડાઈ જશે.
ગીતનાં શબ્દો સિવાય પણ શાસ્ત્રીય સંગીતનાં વિવિધ રાગ પણ સૂચક છે. ગીત સાંભળતી વખતે કોઈ વ્યક્તિની પ્રાર્થના કરવામાં આવતી હોય એ પ્રકારનો અનુભવ થાય છે, અરિજિતનો અવાજ પણ એ બધી વાતોનો અનુભવ આપે છે. સંજય લીલા ભણસાલીએ રાખેલી નાની નાની બાબતો ગીત અને ફિલ્મને સુંદર બનાવે છે...
*********************************
ઇશ્ક |
ઇબાદત |
મૃત્યુ |
*********************************
પ્રિય વ્યક્તિની ઇબાદત સમાન એક બીજા ગીત વિશે મારી પોસ્ટ -
Good work. Love is sublime.
ReplyDeleteThanks a lot Sir
Deleteખુબ સરસ સંજય. keep it up boy.!����
ReplyDeleteઉત્સવ! ખૂબ લાંબા સમય પછી!! ખૂબ ખૂબ આભાર!
Delete