Tuesday 13 December 2016

નીરજા (૨૦૧૬) - આતંક, બહાદુરી અને જીવન




***આ પોસ્ટમાં ફિલ્મ સ્પોઈલર્સ છે.*** 

જેમણે પણ ફિલ્મ નથી જોઈ એમણે જોઈ લેવી જોઈએ એવું હું માનું છું, જેમણે પણ જોઈ છે એમને માટે ૨૦૧૬ની 'વન ઓફ ધ બેસ્ટ' ફિલ્મ વિશે થોડુક અનેલિસિસ...




ફિલ્મ શેના વિશે છે એ લખવાની જરૂર નથી તેમ છતાં ટૂંકમાં... ૫ સપ્ટેમ્બર ૧૯૮૬નાં દિવસે મુંબઈથી ન્યૂ યોર્ક જતી પેન એમ ફ્લાઈટ 73 કરાચી એરપોર્ટ પર આતંકવાદીઓ દ્વારા હાઈજેક થઈ અને એ વખતે હેડ પર્સર નીરજા ભનોટ દ્વારા દાખવવામાં આવેલી બહાદુરીની કથા.  



ફિલ્મની શરૂઆતમાં જ નીરજા આવે છે ત્યારે જ એની સોસાયટીની એક બોરિંગ પાર્ટીમાં જીવ આવે છે, રાજેશ ખન્નાની મોટી ફેન, માતા-પિતાની 'લાડો' ફુલ ઓફ લાઈફ છે. ટેક્સી ડ્રાઈવરને એ કહે છે કે એણે 'આનંદ' સાત વાર થિયેટરમાં જોઈ છે, પાર્ટીમાં રાજેશ ખન્નાની સ્ટાઈલમાં ડાન્સ કરતી, એમની અદાઓની નકલ કરતી નીરજાને જોઈને આપણા ચહેરા પર સ્માઈલ આવી જ જાય. નીરજા મોડેલિંગ કરતી હોય છે એની સાથે સાથે પેન એમ એરવેઝમાં એર હોસ્ટેસની નોકરી કરે છે, અને હેડ પર્સર તરીકે એની પહેલી ફ્લાઈટમાં એને એ રાતે જવાનું છે.



ક્યાંક જવા માટે મોડી રાત્રે નીકળવાનું હોય અને જે માહોલ હોય ઘરમાં એ શરૂઆતનાં સીન્સમાં આબાદ ઝીલાયો છે,... મમ્મી પણ દીકરીની સાથે વહેલી ઉઠી જાય, એના નહાવા માટે બાથરૂમમાં ગીઝર ઓન કરીને એને શાંતિથી જગાડે, દીકરી કહે કે થોડી વાર ઊંઘવા દો, તો મા પણ એને પંપાળીને ગાઢ આલિંગન આપીને એની બાજુમાં થોડી વાર સૂઈ જાય, એની સેફ્ટી વિશે ચિંતા કરે, વ્હાલથી એની સાથે વાત કરે, દીકરીનાં વિચારોને માન પણ આપે, તેમ છતાં માનો જીવ દીકરીની સંભાળ રાખવા માટે છેક સુધી આ વસ્તુ લીધી ને પેલું ભૂલાઈ ન જવાય, આ બધી વસ્તુઓએ થિયેટરમાં ફિલ્મની શરૂઆતમાં જ મારી આંખો ભીની કરી નાખેલી.


સોનમ કપૂર અને શબાના આઝમી


આ બધી વસ્તુઓ સાથે આતંકીઓની હુમલા માટેની આગોતરી તૈયારીઓ પણ બતાવી છે, એ લોકોની કામગીરી, એમના કોડવર્ડ, મિશન માટેની તૈયારી ધીમે ધીમે સ્ક્રીન પર ટેન્શન ઊભું કરે છે. એક આતંકી તૈયાર થતી વખતે એની આંખોમાં સુરમો લગાવે છે, એ સાથે જ નીરજા એના ઘરના અરીસામાં લિપસ્ટિક લગાવે છે. કાળો રંગ ખરાબ વસ્તુ સૂચવે છે, લાલ રંગ પણ ભય સૂચવે છે પણ સાથે પ્રેમ, ઈચ્છા, બહાદુરી પણ સૂચવે છે, આ એક જ સીનમાં પણ આખી ફિલ્મ સમજાઈ શકે. ડિરેક્ટર રામ માધવાણી કદાચ બંને તરફનો માહોલ સૂચવવા માંગે છે. આતંકવાદને કોઈ ચહેરો હોતો નથી, કોઈ ધર્મ હોતો નથી, માત્ર ભય હોય છે, માનવતા વિરુધ્ધનું વલણ હોય છે, જે એકદમ જ ખરાબ છે, એ એમની આંખોનાં સુરમા દ્વારા વ્યક્ત છે. લાલ શેડની લિપસ્ટિક લગાવતી નીરજાનો સીન એનો જિંદગી પ્રત્યેનો પ્રેમ, એની અંદરની બહાદુરી દર્શાવે છે. 

લાલ રંગની અર્થપૂર્ણતા


ફ્લાઈટની અંદરનું વાતાવરણ, એર હોસ્ટેસની કામગીરી, પાઈલોટની કેબિન એ બધાં વિશેનું ફિલ્મમાં ઝીણવટપૂર્વક સરસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. હુમલાખોર ખલિલ તરીકે જિમ સર્ભનો ચહેરો અને આંખો ભય પેદા કરે છે. ફ્લાઈટ હાઈજેક થવાની સાથે સાથે નીરજાની અંદર પણ એની ખુદની જિંદગીનો તાજેતરનો ભૂતકાળ ચાલતો રહે છે. અરેન્જ્ડ મેરેજ કરીને દોહા (કતાર) ગયેલી નીરજા પતિનાં ટોણા સાંભળતી રહે છે, પતિ નીરજાને એના બાપની સાથે ફોન પર વાત કરવા માટે, એને ઘરકામ કે રસોઈ બરાબર ન આવડવાની બાબતો વિશે કે દહેજમાં કંઈ જ ન લાવ્યાની વાત વિશે સતત ટોણા મારતો રહે છે. એ બધું ફ્લેશબેકનાં સીન્સમાં ખૂબ સુંદર ઝીલાયું છે. 

પિતાએ શીખવાડ્યું છે નીરજાને બાળપણથી જ કે દરેક પરિસ્થિતિમાં હિંમત રાખવી અને ખોટુ કામ ન ક્યારેય કરવું કે ન ક્યારેય ખોટુ કે અન્યાય સહન કરવો. પતિને નીરજાનાં મોડેલિંગ સામે પણ વાંધો છે અને દહેજમાં કંઈ આપ્યુ નથી એ બધી બાબતો છતી કરતાં પત્રો જે પતિએ એના પિતાને લખેલાં એ ફેમિલી મેમ્બર્સની સામે વાંચતી વખતે સોનમની એક્ટિંગે ફરી એક વાર મારી આંખો ભીંજવેલી. અને ધીમે ધીમે ફિલ્મની ટેગલાઈનની જેમ જ એની અંદરનો ડર જ એને હિંમત આપે છે, મુસાફરોને પાણી અને ફૂડ પીરસવું એ એની ફરજ છે એવું આતંકીઓને કહેતી વખતની નીરજાની આંખોમાં ડર નહીં પણ બહાદુરી છે. 


પત્રો વાંચતી નીરજા

ફ્લાઈટ હાઈજેક થઈ છે એવા સમાચાર મળેલા હોવા છતાં એકબીજાને હિંમત આપતાં માતા-પિતાના પાત્રોમાં શબાના આઝમી અને યોગેન્દ્ર ટિકુનો અભિનય રૂવાડાં ઊભા કરી દે છે. આતંકીઓની અમેરિકન પાસપોર્ટ એકઠાં કરવાથી માંડીને ફ્લાઈટમાં રેડિયો એન્જિનિયરની શોધની અપાતી સૂચનાઓને નીરજા પોતાની ચતુરાઈ અને હિંમતથી મુસાફરોની સલામતીનાં પક્ષમાં કરી લે છે. આતંકવાદી ખલિલ એની પાસે ગીત ગવડાવે છે એ પળમાં પણ એ રાજેશ ખન્નાનું 'મેરે સપનો કી રાની' ગાય છે, જે એ વખતે ચાલતી દર્દ અને અમાનુષી પરિસ્થિતિ ક્યારે પૂરી થશે એ વિશે સવાલ કરે છે.



બે દિવસ પછી નીરજાનો બર્થ ડે છે, અને એણે માને કહી રાખ્યું છે એનો મનગમતો ડ્રેસ ખરીદવાં માટે. નીરજા પ્લેનમાં એના મિત્ર જયદીપનો (શેખર રવજિયાણી) આપેલો લેટર ખોલે છે અને વાંચે છે, જેમાં લખેલું છે કે એ સમજે છે કે બીજી વખત લગ્ન માટે કોઈની પર વિશ્વાસ મૂકવો કેટલું અઘરું છે, તો પણ જો એની હા હોય તો સાથે જીવી શકાય, અને એ વખતની નીરજાની લાગણીઓ, એનો ડર, ખુશી મને પર્સનલી ખૂબ ગમી, એ વખતની પળો માટે સોનમ કપૂરનાં ચહેરા પરનો ક્લોઝ અપ, એટલું બધું અનુભવાયું છે મને એ સીનમાં કે સીનને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. 

મારો ફેવરિટ સીન


ડરી ગયેલા બાળકો નીરજાને કહે છે કે એ લોકોને એમની મમ્મી પાસે જવું છે, અને નીરજા જવાબ આપે છે કે એને પણ જવું છે, નીરજાને પોતાને હિંમત અને હૂંફની જરૂર છે એવી સ્થિતિમાં એ બધાંને હિંમત આપે છે, એમની સલામતીનું ધ્યાન રાખે છે. અંતમાં ઈમરજન્સી એક્ઝિટ ખોલ્યા પછી પણ નીરજા પહેલાં બીજા બધાં મુસાફરોને અને એની સાથેનાં સહકાર્યકરોને બહાર નીકળવા કહે છે... એ પછી પણ એને પેલાં બાળકો યાદ આવતાં એમને બચાવવાં જાય છે. એમને બચાવતી વખતે આતંકી ખલિલની ચલાવેલી ગોળીઓ એને વાગે છે, જે ગોળીઓ એના મોતનું કારણ બને છે. નીરજા બાળકોને ઈમરજન્સી એક્ઝિટમાંથી બહાર મોકલે છે અને એને ગોળીઓ વાગે છે એ વખતે એક બાળકનાં હાથમાંથી રમકડાનું વિમાન ત્યાં રહી જાય છે જેને નીરજા પકડી લે છે, જે બતાવે છે કે એનાં શરીરની અંદર થોડી ગતિ છે બાકી, થોડુક જીવન બાકી છે, અને સ્ટ્રેચરમાંથી લઈ જતી વખતે એ ટોય પ્લેન પેલા બાળકને આપી નીરજા એને એક મેસેજ આપે છે, જે એની મમ્મીને પહોંચાડવાનો છે. આ બધી વસ્તુઓ મેં બંને વાર ફિલ્મ જોઈ ત્યારે આંખોમાં ઝળઝળિયાં સાથે જોઈ છે.  



નીરજાના મોતને એક વર્ષ પૂરું થાય એ પછી એની મા સ્પીચ આપે છે, થોડા પરિચિતો અને એ ગોઝારી ઘટનાનાં સાક્ષીઓની હાજરીમાં, એ સીન પણ થિયેટરમાં ઘણાં લોકોની આંખમાં આંસુ લઈ આવેલો. સોનમ કપૂર માટે હમેંશા એવું કહેવાયું છે કે એને બરાબર એક્ટિંગ આવડતી નથી, આ ફિલ્મમાં એણે કરિયર બેસ્ટ પરફોર્મ કર્યુ છે. એને બીજા બધાં સાથી કલાકારાએ પૂરતો સાથ આપ્યો છે. ફિલ્મની અંતમાં 'જીતે હૈ ચલ' ગીતમાં ગીતકાર પ્રસૂન જોશીએ 'મહામૃત્યુંજય મંત્ર' પણ વાપર્યો છે, જે માનસિક સ્વસ્થતા માટે પણ વપરાય છે અને મોક્ષ મંત્ર પણ છે, અને ગીતમાં આગળ શબ્દો આવે છે, "કહેતા યે પલ, ખુદ સે નીકલ, જીતે હૈ ચલ, જીતે હૈ ચલ, જીતે હૈ ચલ, ગમ મુસાફિર થા જાને દે, ધૂપ આંગન મેં આને દે, જીતે હૈ ચલ..." જે સૂચવે છે જે બની ગયું છે એ તો થવાનું હતું અને થયું એને ભૂલીને આગળ વધવાનું છે, એના દુ:ખમાં જ રચ્યા રહેવાનું નથી, દરેક પળ જીવવાની છે, જેમ રાજેશ ખન્નાનો ડાયલોગ છે 'સફર' ફિલ્મમાં : "મેં મરને સે પહલે મરના નહીં ચાહતા"



પોતાની અંગત જિંદગીની સમસ્યાઓ હોવાં છતાં હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીને બીજા લોકોના જીવ બચાવનારી નીરજા ભનોટની આ વાર્તા આપણને બહાદુર બનીને જિંદગી જીવવા માટે શીખવે છે, ડરનો સામનો કરીને ભરપૂર જીવી લેવા માટે શિખામણ આપે છે... નીરજા કહેતી હતી કે એણે એક એવું કામ કરવું છે કે લોકો એને એની સુંદરતા માટે નહીં પણ એનાં એ કામ માટે યાદ રાખે, અને એણે કરી બતાવ્યું. એ કામ જેણે બીજા કેટલાંય લોકોની જિંદગી બચાવી અને બીજા લોકોને પ્રેરણા પણ આપી. 'નીરજા' નામનો અર્થ કમળનું ખીલવું થાય છે, કમળ કાદવમાં ખીલી પણ સુંદરતા ફેલાવે છે, એમ નીરજાએ એની સાથેની ઘટનામાં સાબિત કરી બતાવ્યું. નીરજા લક્ષ્મીનું પણ નામ છે, હિંદુ સભ્યતાની મહાન દેવી. દરેક મા-બાપ પોતાની દીકરીને 'નીરજા ભનોટ'ની જેમ ઉછેરે, એની જેવા મૂલ્યો શીખવાડે જીવન જીવવા માટે તો દરેક દીકરી પોતાના બળે જીવન જીવી શકે, કોઈપણ ભય વિના... 




નીરજા ભનોટની કેટલીક તસવીરો:



No comments:

Post a Comment